અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના ઝાંઝરીયા ગામની વાડીમાં મંગળવારે બપોરે ૪ઃ૫૦ કલાકે કૂવામાં બે વ્યક્તિઓ પડી જવાની ઘટના બની હતી. ૧૧૨ કંટ્રોલરૂમ મારફત જાણ થતા ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર સ્ટાફના સભ્યો સાગરભાઈ પુરોહિત, આનંદભાઈ જાની, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા અને અરૂણભાઇ વાઘેલાએ પોતાના જીવના જોખમે માત્ર એક કલાકની મહામહેનત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જોકે, કૂવામાં ડૂબી જવાને કારણે બંનેના મોત નિપજ્યા હતા.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિઓની ઓળખ ગૌત્તમ શંકરભાઈ પણડા (ઉં. ૨૮) અને રતનાં કાલિયાભાઈ પણડા (ઉં. ૩૦) તરીકે થઈ છે. બંને મૃતકો મૂળ રાજસ્થાનના (ગામ ખુટાનગારાત, તાલુકો આનંદપુરી) વતની હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એકને બચાવવા જતાં બીજા પણ મોતને ભેટ્યા
જાણવા મળતી માહિતી મજબ ગૌતમ નામનો યુવક માનસીક રીતે અસ્થિર હોય જેથી ગૌતમ છેલ્લા ઘણા સમયથી મરી જાવુ છે એમ વારંવાર રટણ કરતો હતો. જેથી અચાનક જ મરી જાવાની ઈચ્ચામાં ગૌતમ કુવામાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગૌતમને બચવવા માટે રતના પણ કુવામાં ખાબક્યો હતો. જેમાં બંનેના ડુબી જવાથી મોત થયા હતા.










































