દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ડીટીસી બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા અંગે મોટી જાહેરાત કરી છે. સીએમ રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે હવે આ સુવિધા ફક્ત દિલ્હીની મહિલાઓ માટે જ હશે, જેનાથી તેમને શહેરમાં સરળતાથી અને મફત મુસાફરી કરવાની તક મળશે. નંદનગરી ડેપો ખાતે નવા ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ માટે ટૂંક સમયમાં પિંક ટિકિટની જગ્યાએ પિંક પાસ શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એમ પણ કહ્યું કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને ૬૫,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનમાંથી બચાવવા માટે કામ ચાલી રહ્યું છે. આ માટે આઇઆઇટીની મદદથી બસ રૂટ સુધારવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોને સુવિધાજનક અને ઝડપી સેવા મળી શકે. તેમણે કહ્યું કે ડીટીસીને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટીંગ સ્ટેશનથી બસોનું નિરીક્ષણ અને જાળવણી સરળ અને ઝડપી બનશે. એવું માનવામાં આવે છે કે સરકારના આ પગલાથી દિલ્હીની પરિવહન વ્યવસ્થામાં સુધારો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે રેખા ગુપ્તાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં સ્વૈછિક રક્તદાતાઓ વિશે માહિતી આપતી ‘એપ’ લોન્ચ કરશે. રક્તદાન શિબિરમાં આ જાહેરાત કરતા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં એક રક્તદાતા એપ્લિકેશન લોન્ચ કરીશું, જેમાં રક્તદાન કરવા માંગતા લોકોની વિગતો હશે. તેમાં તેમનું રક્ત જૂથ, તેમણે છેલ્લી વખત ક્યારે રક્તદાન કર્યું હતું અને તેઓ ૩ મહિના પછી ફરીથી રક્તદાન કરવા માટે લાયક બન્યા છે કે નહીં તે માહિતી હશે. આ એપ્લિકેશનમાં રક્તદાતાઓની સંપર્ક માહિતી પણ હશે, જેથી જરૂરિયાતમંદ લોકો તેમના નજીકના રક્તદાતાનો સંપર્ક કરી શકે.’