સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા ૨-૨ લેનના બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.સુભાષ બ્રિજ રાણીપ અને શાહિબાગ વિસ્તારોને જાડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વર્ષ ૧૯૭૩માં નિર્મિત આ બ્રિજ છેલ્લા ૫૨ વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જા કે, તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જાવા મળતાં, સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત આઇઆઇટી રૂડકી અને સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે.શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને, માત્ર રીસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. ૨૫૦ કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઇપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે.










































