દેશના અગ્રણી હીરા હબ ગણાતા સુરતમાં કરોડોની હીરા છેતરપિંડીના મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. સુરત શહેર ઇકો સેલ અને ડીસીબી પોલીસની સંયુક્ત કામગીરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી કરતી ટોળકીના સુત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશભાઈ રાવળની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વર્ચ્યુઅલ (ગેટવે) મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા અને યુએસની નામાંકિત કંપનીના બાયર તરીકે ખોટી ઓળખ આપી વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા.
આરોપીઓએ સુરતના હીરા વેપારીઓ પાસેથી કુલ ૫,૩૪,૨૨૦ અમેરિકન ડોલર (અંદાજે રૂપિયા ૪.૮૦ કરોડ) જેટલા કિંમતી હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી લીધા હતા, પરંતુ નક્કી કરેલી મુદતમાં પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ જતા હતા.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિત હીરા વેપારી સંજયભાઈ ગોટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ અત્યંત આયોજનબદ્ધ રીતે આ છેતરપિંડી કરતા હતા. તેઓ પહેલા હીરા વેપારીઓ દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે મુકાયેલા હીરાની માહિતી એકત્ર કરતા. ત્યારબાદ તેઓ અમેરિકાની જાણીતી કંપનીઓના નામ, લોગો અને કર્મચારીઓના ફોટા મેળવી પોતાને તે કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરતા.
વર્ચ્યુઅલ વિદેશી મોબાઇલ નંબરોના આધારે વોટ્સએપ એકાઉન્ટ બનાવી વેપારીઓ સાથે વાતચીત કરતા અને ૭ દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપીને હીરાની ડીલ ફાઇનલ કરતા. ત્યારબાદ હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક જેવા શહેરોમાં મંગાવી લેતા અને માલ મળ્યા પછી તરત જ તમામ સંપર્ક તોડી નાખતા.
આ કેસમાં પોલીસ અગાઉ ચાર આરોપીઓને પકડી ચૂકી છે, જેમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગરનો સમાવેશ થાય છે. હવે મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ રાવળની ધરપકડથી કેસમાં મહત્વપૂર્ણ કડી મળી છે. હાલ પોલીસે વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને આ ગેંગ સાથે જાડાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય કડીઓની પણ તપાસ કરી રહી છે.










































