લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઘણા સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. રિજિજુના મતે, સ્પીકર ઓમ બિરલા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. પત્રકારો સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે તેમણે પોતે આ બાબતે લોકસભા અધ્યક્ષ સાથે વાત કરી છે.
તેમણે કહ્યું કે લગભગ ૨૦-૨૫ કોંગ્રેસના સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. રિજિજુએ એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ હાજર હતા અને તેનો વિરોધ કરવાને બદલે, તેમના સાંસદોને વધુ ઉશ્કેરી રહ્યા હતા.
રિજિજુએ ગૃહમાં બોલવાને લગતા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સ્પીકરે નિર્ણય આપ્યો હતો, પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમના મતે, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને બોલવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી અને તેઓ જેમ ઈચ્છે તેમ બોલશે. રિજિજુએ જવાબ આપ્યો કે સંસદમાં નિયમો ખૂબ જ સ્પષ્ટ છે, અને કોઈ પણ સભ્ય સ્પીકરની પરવાનગી વિના બોલી શકતો નથી.
તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન પણ સ્પીકર પરવાનગી આપે ત્યારે જ બોલે છે. દરેક સભ્યએ નિયમોનું પાલન કરવું પડે છે. તેમણે કહ્યું કે સ્પીકર ખૂબ જ શાંત સ્વભાવ ધરાવે છે, નહીં તો આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરવામાં આવ્યા બાદ આ વિવાદ ઉભો થયો છે. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે ૯ માર્ચે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની ધારણા છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં કેટલીક ખામીઓ જાવા મળી છે. એવું જાણવા મળ્યું છે કે નોટિસમાં ફેબ્રુઆરી ૨૦૨૫ થી ચાર વખત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર નિયમો અનુસાર ટેકનિકલ વાંધો ઉઠાવી શકાય છે. જાકે, સ્પીકરે લોકસભા સચિવાલયને નોટિસમાં કોઈપણ ખામીઓ સુધારવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.