ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ગોલકીપર અદિતિ ચૌહાણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે, તેની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવ્યો. તે યુરોપમાં વ્યાવસાયિક ફૂટબોલ રમનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નિવૃત્તિ વિશે માહિતી શેર કરી છે. તેણીએ કહ્યું છે કે હવે તે મેદાનની બહાર કામ કરવા માંગે છે.અદિતિ ચૌહાણે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું છે કે ફૂટબોલનો આભાર. મને આકાર આપવા, મારી કસોટી કરવા અને મને આગળ લઈ જવા બદલ. ૧૭ ક્યારેય ન ભૂલી શકાય તેવા વર્ષો સાથે, હું ગર્વથી વ્યાવસાયિક ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ રમતે મને ફક્ત કારકિર્દી કરતાં વધુ આપ્યું. તેણે મને એક ઓળખ આપી. દિલ્હીમાં સ્વપ્નનો પીછો કરવાથી લઈને બ્રિટન જવા સુધી, જ્યાં મેં સ્પોર્ટ્‌સ મેનેજમેન્ટમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો અને વેસ્ટ હેમ યુનાઇટેડ માટે રમી. હું એવા માર્ગ પર ચાલી જેનો કોઈ સ્પષ્ટ નકશો નહોતો.

અદિતિએ કહ્યું કે મારે ક્યારેય શિક્ષણ અને જુસ્સા વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી. મેં બંને કરવા માટે સખત મહેનત કરી. તેણીએ ભારત માટે ૫૭ મેચ રમી હતી અને ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૧૯ માં એસએએફએફ મહિલા ચેમ્પિયન્સશિપ જીતનાર સિનિયર ટીમનો ભાગ હતી. આ ઉપરાંત, તેણીએ ઇંગ્લેન્ડમાં મહિલા સુપર લીગ માટે વેસ્ટ હેમ યુનાઇટેડ સાથે કરાર પણ કર્યો હતો.

અદિતિએ ૨૦૧૮ ની શરૂઆતમાં ભારત પરત ફરતા પહેલા વેસ્ટ હેમ સાથે બે સીઝન વિતાવી હતી. તે ૨૦૧૯-૨૦ માં ઇન્ડિયન મહિલા લીગ માટે ગોકુલમ કેરળ એફસીમાં જાડાઈ હતી. ઘરેલુ સ્તરે, અદિતિએ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧-૨૨ માં ગોકુલમ કેરળ એફસી સાથે  આઇડબ્લ્યુએલ ટાઇટલ જીત્યું હતું.

અદિતિએ કહ્યું કે મારા માતા-પિતા મારી સાથે ઉભા હતા, જરૂર પડ્યે મને ટેકો આપ્યો હતો, જ્યારે હું થોડી ઢીલી હતી ત્યારે મને આગળ ધકેલી હતી. હું જે કંઈ પણ પ્રાપ્ત કરી શકી છું તે ફક્ત મારી માતાને કારણે જ શક્ય બન્યું છે જેમણે મારી સાથે આ રોમાંચક સફરમાં ચૂપચાપ ભાગ લીધો હતો. હવે હું એક ખેલાડી તરીકે નહીં પરંતુ આગામી પેઢી માટે એક મજબૂત માર્ગ અને વાતાવરણ બનાવવા માંગુ છું.