કોડીનાર શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન છેલ્લા એક દાયકાથી ટ્રેન સુવિધા વગર તો છે જ, પરંતુ હવે તે સ્થાનિકો માટે ‘ભયનું કેન્દ્ર’ બની ગયું છે. મીટરગેજ લાઈન બંધ થયા બાદ સ્ટેશન પરિસરમાં માણસ ડૂબી જાય તેટલા ઊંચા બાવળના જંગલો ઉગી નીકળ્યા છે, જે હવે હિંસક પશુઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે.
અગાઉ રેલવે ક્વાર્ટર પાસે એક બાળકીને હિંસક પશુએ ફાડી ખાધી હોવાની કરુણ ઘટના બની ચૂકી છે અને હાલમાં જ વન વિભાગે અહીંથી એક દીપડો પાંજરે પૂર્યો છે. તેમ છતાં રેલવે તંત્ર સફાઈ કરાવવા તૈયાર નથી. નજીકની ૨૦ થી ૨૫ સોસાયટીના રહીશો સફાઈ કરવા ઈચ્છે છે, પરંતુ રેલવેની હદ હોવાથી કાયદાકીય અવરોધો નડતરરૂપ બને છે. તંત્ર પોતે સફાઈ કરતું નથી અને જનતાને મંજૂરી આપતું નથી, જેના કારણે હજારો પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જો વહેલી તકે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.









































