બીસીસીઆઇના એક બ્રોડકાસ્ટ એન્જિનિયરનો મૃતદેહ તેમના હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલમાં રોકાયેલા આ બ્રિટિશ નાગરિકના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકની ઓળખ ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ તરીકે થઈ છે. તેઓ બીસીસીઆઇમાં બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને આઇપીએલ કવરેજની જવાબદારી સંભાળી રહ્યા હતા.રિપોર્ટ્સ અનુસાર, ઇયાન ૨૪ માર્ચથી હોટલમાં રોકાયા હતા.
પોલીસે જણાવ્યું છે કે આઈપીએલ મેચો માટે બીસીસીઆઈ માટે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતો એક બ્રિટિશ નાગરિક મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલમાં તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે ૭૬ વર્ષનો હતો. ૨૯ માર્ચે મેચ પછી તે તેના હોટલના રૂમમાં પાછો ફર્યો હતો. એક દિવસ પછી, ૩૦ માર્ચે, જ્યારે રિસેપ્શનિસ્ટે તેના રૂમમાં ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. જેથી હોટલ સ્ટાફ તેની તપાસ કરવા ગયો હતો.
હોટલ સ્ટાફે જણાવ્યું હતું કે કોઈ જવાબ ન મળતાં, તેમણે માસ્ટર ચાવીથી રૂમ ખોલ્યો અને તેને ફ્લોર પર પડેલા જાયા હતા. જે પછી ઘટના અંગે હોટલના ડાક્ટરને જાણ કરવામાં આવી હતી, જેમણે તેમને મૃત જાહેર કર્યા હતા. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, બનાવ અંગે પોલીસ દ્વારા હોટલના સ્ટાફની તથા તેમની સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે, આ સિવાય તેમના હોટલમાં આવ્યા પછીની ગતિવિધિ અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે, જેમાં તેઓ હોટલ પર કેટલા વાગ્યે આવ્યા હતા, તેમની સાથે રૂમમાં કોઈ બીજુ ગયું હતું કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમનો જે રિપોટ્સ આવશે તેના આધારે પણ મૃત્યુની વધુ તપાસ કરવામાં આવશે.










































