ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમી પડતા નાના ભૂલકાઓને મુશ્કેલી ન પડે તે માટે શાળાનો સમય સવારનો કરવા શિક્ષક સંગઠને રજૂઆત કરી છે. ઉનાળાની શરૂઆત થતાં જ ગણતરીના દિવસોમાં આંકરો તાપ પડવા લાગ્યો છે. બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના નાના ભૂલકાઓ પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાએ જતા હોય છે અને આ ધોમધખતા તાપમા શિક્ષણ મેળવતા હોય છે. આ બાબતને ધ્યાને લઈ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા તથા મહામંત્રી પ્રવિણભાઈ કસવાળા, રસિકભાઈ મહેતા એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને પત્ર પાઠવી નાના બાળકોના હિતમાં આગામી ૧૫ માર્ચથી શાળાનો સમય સવારનો કરવા માટે માંગણી કરી છે. અમરેલી જિલ્લામાં પડી રહેલા તડકા અને હીટ વેવને ધ્યાનમાં રાખી વાલીઓમાં પણ શાળાનો સમય સવારનો થાય તેવો ગણગણાટ થઈ રહ્યો છે.