હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજાપતિ ગોપીચંદ પી હિન્દુજાનું લંડનની એક હોસ્પિતલમાં અવસાન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા.રિપોર્ટ મુજબ, પારિવારિક સૂત્રોએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. ગોપીચંદ પી હિન્દુજા ચાર હિન્દુજા ભાઈઓમાં બીજા નંબરે હતા અને તેઓ લાંબા સમયથી બીમાર હતા.ગોપીચંદ પી. હિન્દુજાને વેપારી વર્તુળોમાં ‘જીપી’ નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ હિન્દુજા ગ્રુપ અને હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડ, યુકેના અધ્યક્ષ હતા. ગોપીચંદ પી. હિન્દુજા ૧૯૫૯માં મુંબઈમાં પારિવારિક વ્યવસાયમાં જાડાયા હતા. તેમણે મે ૨૦૨૩માં તેમના મોટાભાઈ શ્રીચંદના નિધન બાદ અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેમના પરિવારમાં પત્ની સુનિતા, પુત્ર સંજય અને ધીરજ અને પુત્રી રીટા છે.આઝાદી પહેલાં પોતાની બિઝનેસ સફર શરૂ કરનાર હિન્દુજા પરિવારમાં જન્મેલા ગોપીચંદ હિન્દુજા ૧૯૫૯માં મુંબઈમાં પોતાના પારિવારિક ઉદ્યમમાં જાડાયા હતા. વીતેલા અનેક દાયકાઓમાં તેમણે હિન્દુજા ગ્રુપને એક પરંપરાગત વેપારી કામગીરીથી બેન્કિંગ, ફાયનાન્સ, ઊર્જા, મોટર વાહન, મીડિયા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં એક વૈશ્વિક ઔદ્યોગિક મહાશક્તિ બનાવવામાં મદદ કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે તેના કેટલાક સૌથી મહત્વના અધિગ્રહણ કર્યા હતા. આમાં ૧૯૮૪માં ગલ્ફ ઓઇલ અને ત્રણ વર્ષ પછી અશોક લેલેન્ડનું અધિગ્રહણ સામેલ છે.મુંબઈના જય હિન્દ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા ગોપીચંદ હિન્દુજાને લંડન અસ્થિતિ વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી અને અમેરિકન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી રિચમંડ દ્વારા માનદ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી છે. તેમના નેતૃત્વમાં, હિન્દુજા ગ્રુપે ઓટોમોટિવ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, આરોગ્ય સેવા, રિયલ એસ્ટેટ, ઊર્જા, અને મીડિયા તથા મનોરંજન સહિત અગિયાર મુખ્ય ક્ષેત્રોમાં પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો છે.તેમના પોર્ટફોલિયોમાં ઇન્ડસઇન્ડ બેંક અને નેક્સ્ટડિજિટલ લિમિટેડ જેવા અનેક મુખ્ય બ્રાન્ડ્સ સામેલ છે. તમને જણાવી દઈએ કે, સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટના ૨૦૨૫ એડિશનમાં તાજેતરમાં જ ગોપીચંદ હિન્દુજાના પરિવારને ૩૨.૩ બિલિયન પાઉન્ડની કુલ સંપત્તિ સાથે બ્રિટનમાં સૌથી અમીર જાહેર કરવામાં આવ્યો છે.









































