જીવન એ એક ખૂબ લાંબી દોડ છે. ક્યાંક ઉતાર આવે છે, તો ક્યાંક ચઢાવ આવે છે. ક્યારેક આપણે જીતીએ છીએ, તો ક્યારેક હારી જઈએ છીએ. પરંતુ સાચું જીવન તો એમાં છે કે જીત પછી ગર્વ ન થાય અને હાર પછી હિંમત ન તૂટે પણ હોંસલો બુલંદ રહે. વસંત અને પાનખર એ તો પ્રકૃતિનો નિયમ છે. જીવનમાં જીત એ વસંત છે અને હાર એ પાનખર છે. વસંતમાં તો સૌ ખીલે જ પણ ખીલતા ખીલતા અભિમાન ન આવે એ ખૂબ જરૂરી છે. પાનખર તો ખરવાની જ મોસમ ગણાય પણ ખરતા ખરતા’ય ખુશ્બુ આપતા જઇએ તો જ સાચું જીવ્યા કહેવાય. રમતનું મેદાન હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં સંગ્રામ હોય, એમાં મળતી હાર એ અંત નહીં, પણ ફરી હિંમતથી લડવાની નવી શરૂઆત છે. જીવનમાં દરેક હાર એક નવો પાઠ શીખવે છે. હારનો અર્થ એ નથી કે આપણે નબળા છીએ, એ તો ઈશ્વરનો સંકેત છે કે “હજુ થોડું વધુ શીખવાની, વધુ મહેનત કરવાની, વધુ હિંમતથી લડવાની જરૂર છે.” હારમાં હરેરી જવાના બદલે હસતા હસતાં સ્વીકારીને ફરી તાકાતથી લડવાનો હોંસલો વધારવાનો હોય છે. જ્યારે સફળતા આપણાથી દૂર ભાગે, આપણે પૂરું મન લગાવીને પ્રયત્ન કરીએ છતાં પરિણામ આપણી પસંદગીનું ના મળે ત્યારે મનમાં નિરાશા જન્મે છે. પરંતુ એ ક્ષણ આપણા માટે સૌથી મોટી પરીક્ષા હોય છે. આવા સમયે વસવસો કરીને દુઃખી થઈને એને વાગોળ્યા રાખવાના બદલે એમાંથી શીખ લઈને ઝડપથી નવી શરૂઆત કરવાથી નવો માર્ગ મળે છે. જે વ્યક્તિ પોતાની હારથી ભાગે છે તે કદી આગળ વધી શકતો નથી, પરંતુ જે વ્યક્તિ હારને સ્વીકારીને આગળ વધે છે, તે જ સાચો વિજેતા બને છે. જગતના મહાન વિજ્ઞાનીઓથી લઈને ખેલાડીઓ સુધી સૌએ હારનો સામનો કરીને જીતના દ્વાર ખોલ્યા છે. થોમસ આલ્વા એડિસને વીજળીનો બલ્બ શોધતી વખતે એક હજાર વાર હારનો સામનો કરીને પછી જ સફળતા મેળવી હતી. એની નિષ્ફળતા પર જે લોકો હસતા હતા એ લોકો એના આખરી પ્રયત્નોની સફળતા પછી સ્તબ્ધ થઈ ગયા હતા. અને એણે સાબિત કરી દેખાડ્યું કે જે વ્યક્તિ હાર સ્વીકારીને પણ આશા છોડતો નથી એ એક દિવસ જરૂર પોતાની કહાની લખીને જાય છે અને ઇતિહાસ એને કાયમ યાદ કરે છે. જ્યારે હારીએ છીએ ત્યારે ઈશ્વર આપણને વધુ મજબૂત બનીને પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે. જીત એ ફક્ત પરિણામ નહીં, પણ એક જવાબદારી છે. નમ્રતા માટેની પ્રેરણા છે. જીત ફક્ત એક ટ્રોફી કે પ્રમાણપત્ર નથી, એ તો મહેનત, ધીરજ અને વિશ્વાસનો ઉત્સવ છે. પરંતુ જીત પછી નમ્રતા જાળવી રાખવી એ સૌથી મોટો વિજય છે. રાવણ સામેની રામની જીત આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જીત પછી અહંકાર આવવો સ્વાભાવિક છે, પરંતુ જીત મેળવ્યા પછી અહંકાર ન આવે એ જ જીતને પચાવી શકે છે. કારણ કે, અહંકાર જીતને પણ હાર બનાવી દે છે, જ્યારે વિનમ્રતા હારને પણ જીતમાં ફેરવી શકે છે. ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીએ અનેકવાર જીત મેળવ્યા પછી પણ કદી ગર્વથી માથું ઊંચું કરીને અભિમાન આવવા દીધું નહોતું. આક્રમક બેટિંગ કરવા છતાં એના શાંત અને સંતુલિત સ્વભાવના કારણે લોકો એને ‘કેપ્ટન કૂલ’ તરીકે યાદ કરે છે. જીત પછીનું વર્તન જ વ્યક્તિની અસલી ઊંચાઈ બતાવે છે. હોંસલો એ જીવનનું એન્જિન છે. હોંસલો એટલે તે શક્તિ, જે પડ્યા પછી ફરી ઊભા થવામાં મદદ કરે છે. જ્યારે દરેક દિશા અંધકારમય લાગે ત્યારે પણ મનમાં આશાનો દીવો પ્રગટાવનાર શક્તિ એટલે હોંસલો. વિશ્વના દરેક મહાન માણસોએ ક્યારેક ને ક્યારેક હારનો સ્વાદ ચાખ્યો જ છે, પણ તેઓ થંભ્યા નથી, તેમણે “ફરીથી પ્રયાસ” કરવાનો નિર્ણય લીધો હોય છે. કોલંબસ, વાસ્કો-ડી-ગામા જેવા મહાન સાહસિક મુસાફરોનો હોંસલો બુલંદ હતો એટલે જ તેણે દુનિયાને અમેરિકા અને ભારતની શોધ કરીને આપી. આર્યભટ, ન્યુટન જેવા વૈજ્ઞાનિકો, સુરદાસ અને હેલન કેલર અંધ હોવા છતાં વિશ્વના પ્રેરણાદાયી લેખક બની શક્યા. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડો.એ.પી.જે. અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષોએ તેમની સાદગી, સાહજિકતા, નિરાભિમાનીપણું તેમજ સતત પ્રયત્નોના બળ સાથે સાબિત કરી આપ્યું છે કે જ્યારે હોંસલો બુલંદ હોય ત્યારે પરિસ્થિતિ પણ ઝૂકી જાય છે. જીવનમાં હાર કે જીત કરતા પ્રયત્ન અને મનોબળ વધુ મહત્વનાં છે. કારણ કે જે વ્યક્તિ પડ્યા પછી હસીને ફરીથી ઉભા થવાનું શીખે છે, એ કદી હારતો નથી. હોંસલો રાખો, હારને પાઠમાં બદલો અને જીતને પ્રેરણામાં ફેરવો. યાદ રાખો “જે થાકી ગયો નથી, એ હજી હાર્યો નથી.”
“હાર પર હસતો રહ્યો, જીત પર હસતો રહ્યો, કોઈએ ધરી તલવાર તો ધાર પર હસતો રહ્યો.’’









































