બગસરા નગરપાલિકામાં મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિ વહીવટ ચલાવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ સિદ્ધાંત પારાસર મારફતે કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયાના બદલે તેમના પતિ અરવિંદભાઈ રીબડીયા ‘પ્રોક્સી પ્રમુખ’ તરીકે તમામ નિર્ણયો લે છે અને નગરપાલિકાની ખુરશી પર બેસી મીડિયાને સંબોધન પણ કરે છે. અરજદારે કોર્ટમાં પુરાવા રૂપે ફોટોગ્રાફ્‌સ રજૂ કરતા આક્ષેપ કર્યો હતો કે, મહિલા પ્રમુખના પતિ સરકારી ભંડોળનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેમાં સ્થાનિક અધિકારીઓની પણ સંડોવણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત હુકમ કરનાર મહિલા જજ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે જો તેઓ થોડો સમય વધુ હોત તો રિજીયોનલ કમિશનરને રૂબરૂ હાઇકોર્ટમાં બોલાવત પરંતુ હાઈકોર્ટની ટીપ્પણી બાદ પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.