અમદાવાદ સહિત રાજ્યના વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફી રેગ્યુલેટરી કમિટી  દ્વારા અમદાવાદ ઝોનની ખાનગી શાળાઓની નક્કી કરેલી ફી હવે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાનગી શાળાઓ દ્વારા ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની પ્રવૃત્તિ પર રોક લાગશે.એફઆરસી દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરની ૨,૩૧૦ અને અમદાવાદ ગ્રામ્યની ૩૯૪ ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ શાળાઓની ફી વિગતો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અગાઉ ઘણી ખાનગી શાળાઓ એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી જાહેર કરતી ન હતી અને વિવિધ ચાર્જના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરતી હોવાની ફરિયાદો સામે આવતી હતી. એડમિશન ફી, ટર્મ ફી અથવા અન્ય પ્રવૃત્તિઓના નામે મોટાપાયે ફી લેવામાં આવતી હતી. વાલીઓ છેતરાય નહીં અને ફી બાબતે પારદર્શિતા રહે તે માટે એફઆરસીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને તમામ ખાનગી શાળાઓની ફી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે રાજ્યની કોઈપણ ખાનગી શાળા હ્લઇઝ્ર દ્વારા નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં.સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર હવે ખાનગી શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો વસૂલ કરી શકશે નહીં. અગાઉના કેટલાક ઓર્ડરમાં એડમિશન અથવા ટર્મ ફી અંગે ઉલ્લેખ રહેતો હતો, પરંતુ હવે જાહેર થતી ફી વિગતોમાં આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. એટલે કે, ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી જ અંતિમ ગણાશે.ફી રેગ્યુલેટરી કમિટીની સત્તાવાર વેબસાઇટ પર જઈને વાલી અને વિદ્યાર્થી પોતાની શાળાની ફી સરળતાથી જાણી શકશે. વેબસાઇટ પર જિલ્લો અથવા મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ, માધ્યમ અને શાળાનું નામ દાખલ કરતા જ શાળાનો ફી ઓર્ડર ખુલશે. જેમાં ધોરણ અને વર્ષ પ્રમાણે ફીનું માળખું દર્શાવવામાં આવશે. જા કોઈ ખાનગી શાળા નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલતી હોવાનું સામે આવશે, તો વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકશે. આ પગલાંથી ફી બાબતે પારદર્શિતા આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે કાર્યવાહી શક્્ય બનશે.