સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ, તેજ પવન અને કરાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લાઠી અને બાબરા પંથકમાં ઘઉં, જીરું, ચણા અને બાગાયતી પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કાપણી માટે તૈયાર ઉભો પાક પલળી જવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. પવનને કારણે પાક જમીનદોસ્ત થતા તેની ગુણવત્તા બગડી છે, જેનાથી બજારમાં યોગ્ય ભાવ મળવાની શક્યતા નહિવત છે. ખેડૂતો આર્થિક સંકટ અને દેવાના બોજ તળે દબાયેલા હોવાથી, ધારાસભ્યએ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સત્વરે સર્વે કરાવી પાક વીમાના દાવાઓનો ઝડપી નિકાલ કરવા અને ખેતી લોનની વસૂલાતમાં રાહત આપવા ભારપૂર્વક માંગણી કરી છે.









































