સોમનાથ તીર્થધામ અને પ્રભાસ પાટણમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ઠેર ઠેર ગંદકીના થર જામી રહ્યા છે. સોમનાથ તીર્થમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર સમા શિવ પોલીસ ચોકી પાસે આવેલા સિટી બસ સ્ટેશન નજીક ગંદા વરસાદી પાણીનું ખાબોચિયું ઘણા દિવસોથી દુર્ગંધ મારી રહ્યું છે. નગરપાલિકા આ ગંદકી દૂર કરવા કે ખાડો પૂરવા કોઈ તસદી લેતી નથી, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો થવાની શક્યતા છે. ગામમાં ગટરના ગંદા પાણીના ધોરિયા પણ નિયમિત સાફ કરવામાં આવતા નથી. એટલું જ નહીં, સાંજે ફોગિંગ મશીન દ્વારા ધુમાડો સ્પ્રે કરીને મચ્છરોનો નાશ કરવાની કામગીરી પણ થતી નથી. પ્રભાસ પાટણ હેલ્થ સેન્ટર દવાખાના પાછળ પણ ગંદકીનો ઉકરડો ઠલવાય છે. આ સ્થળે અગાઉ અહીં ગંદકી કરશો તો રૂ. ૫૦૦ દંડ થશે. તેવું બોર્ડ લગાવેલું હતું, જે હવે ગાયબ છે. આશ્ચર્યજનક રીતે, નગરપાલિકા જ અહીં કચરો ઠાલવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગંદકી બાબતે નગરપાલિકાના સભ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખ ધ્યાન આપતા નથી તેમજ તંત્રની બેદરકારી છતી કરે છે.