મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સોમનાથ દર્શન બાદ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે ફરી એકવાર જૂનો વિવાદ વકર્યો હતો.
સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ સમાજે ટ્રસ્ટ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક બ્રાહ્મણોનો આક્ષેપ છે કે રાષ્ટ્રપતિના દર્શન કાર્યક્રમ દરમિયાન સ્થાનિક બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી હતી. આ મામલે યોગ્ય રજૂઆત કરવા માટે બહોળી સંખ્યામાં સોમપુરા બ્રાહ્મણો સોમનાથ ટ્રસ્ટની ઓફિસે પહોંચ્યા હતા. જોકે, તેમના પહોંચતા જ ટ્રસ્ટના જનરલ મેનેજર ‘દવાખાનાનું’ બહાનું કાઢીને ઓફિસ છોડીને ચાલ્યા ગયા હતા.
સ્થાનિક ભૂદેવોની મુખ્ય માંગ એ છે કે મંદિરની પૂજા વિધિ અને ધાર્મિક ક્રિયાઓ સંબંધિત પારંપારિક અધિકાર માત્ર અને માત્ર સોમપુરા બ્રાહ્મણ સમાજનો જ છે અને રહેશે. આ વિવાદ અંગે રજૂઆત કરતી વખતે મેનેજરે કથિત રીતે જણાવ્યું હતું કે આ બધું કલેક્ટરની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે અન્ય ૪૦ જેટલા ભૂદેવો મંદિરની વિધિમાં હાજર હોવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું, જેનાથી સમગ્ર મામલો વધુ ગૂંચવાયો હતો.