સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૧૩૫૫ જેટલી આંગણવાડીઓમાં ૨૭૧૦ જેટલી બહેનો પ્રશિક્ષણ મળે તે પ્રકારના પ્રયાસો આંગણવાડીમાં ફરજ બજાવતી કર્મચારી બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પગાર વધારો તેમજ અલગ અલગ પ્રકારની ૧૨ માંગણીઓ સાથે છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાની ૨૭૧૦ જેટલી આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો હડતાલ ઉપર ઉતરી છે.
જેને લઈને હવે આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓ દ્વારા છાજીયા લેવામાં આવ્યા અને ગરબે રમીને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.
ખાસ કરીને પગાર વધારાની માંગ છે, ૨૦૧૮ પછી નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી, પરંતુ ઓનલાઇન કામગીરી અને સાત જેટલી એપ્શલિકેશનઓમાં કામગીરી કરાવવામાં આવી રહી છે. આંગણવાડીમાં ફરજ બજાવતી કર્મચારી બહેનોને પોતે જાતે ખરીદી કરીને મોબાઈલ લાવીને વાપરવા પડે છે. આ ઉપરાંત તેમના મસાલાના બીલ ચુકવણી સમયસર કરવામાં આવતા નથી. અન્ય કામગીરીઓ પણ કરાવવામાં આવતી હોવાની ફરિયાદો અને રજૂઆત કરવામાં આવી છે.
“સરકાર દ્વારા પગાર વધારાની માંગ સ્વીકાર કરવામાં આવશે, ત્યારબાદ જ આંગણવાડીઓ ખોલવામાં આવશે. બાળકો ઉપર તેની ગંભીર અસર પડી રહી છે. અમે જાણીએ છીએ, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી માત્ર દસ હજાર પગારમાં નોકરી કરીએ છીએ, તેમાં ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે. શિક્ષણ અંગેની કામગીરીઓ કરાવવામાં આવે છે.
આ કામગીરીથી કોઈ વાંધો નથી, પરંતુ તેની સામે કોર્ટના આદેશ અનુસાર પગારની ચુકવણી કરવામાં આવે અને નિર્ણય કરીને સરકાર દ્વારા બેઠક કરીને વચગાળાનો રસ્તો કાઢવા માટેની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી નિર્ણય નહી કરવામાં આવે ત્યાં સુધી આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે.” – પ્રીતિબેન ચાવડા, પ્રમુખ આંગણવાડી વર્કર સુરેન્દ્રનગર
કોર્ટ દ્વારા પગાર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, છતાં પણ બહેનોનો પગાર વધારવામાં નથી આવી રહ્યો. જેને લઇને ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને હડતાલ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ જેટલી આંગણવાડીઓ બંધ થઈ ગયેલી હોવાના કારણે બાળકો ઉપર પણ ગંભીર અસર પડી છે.
આઈસીડીએસ વિભાગ જિલ્લા પંચાયતના ભાવનાબેન જીડીયાએ જણાવ્યું હતું કે “બહેનો દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, તે સરકાર સુધી મોકલી આપવામાં આવ્યું છે. સ્થાનિક લેવલથી આ પ્રશ્ન હલ થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી. હાલના તબક્કામાં સરકાર પણ આ અંગે ટૂંક સમયમાં વિચારણા શરૂ કરશે.” –
આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો હડતાલ ઉપર હોવાના કારણે આંગણવાડીમાં આવતા બાળકોને પ્રશિક્ષણ નથી મળી રહ્યું અને તેમને પોષણક્ષમ આહાર પણ નથી મળી રહ્યો. જેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બહેનો સાથે બેઠક કરીને વચ્ચગાળાનો રસ્તો કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.