સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના પગ તળે રેલો આવ્યો છે. ચંદ્રસિંહ મોરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે. મોરીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતા તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જેના બાદ તેને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોએ જિલ્લા કલેક્ટર ડા. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ લાંચ-રુશ્વત અને અપ્રમાણસર મિલકતનો ગુનો ૨૩ ડિસેમ્બરે નોંધ્યો છે. ૨૩ ડિસેમ્બરે ઈડીએ કલેક્ટરના બંગલા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી ૬૭.૫૦ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જે લાંચની રકમ હોવાનું માનવામાં આવે છે.

ઈડીએ ચંદ્રસિંહ મોરીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કરોડોના કથિત જમીન એન.એ કૌભાંડ અને ભ્રષ્ટાચારના ચકચારભર્યા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા પકડાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજુ = કે.એમ.સોજીત્રાએ આરોપી ચંદ્રસિંહ મોરીને સાબરમતી જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.  આમ, સુરેન્દ્રનગરના એનએ કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી જેલમાં ધકેલાયો છે. ત્યારે હવે એસીબી પણ મોરીની કસ્ટડી મેળવે તેવી શક્યતા કલેક્ટરના બંગલામાંથી ૧૦૦ થી વધુ સંવેદનશીલ ફાઇલો જપ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરી તેમને વેઇટિંગ પર મૂક્યા છે. સુરેન્દ્રનગરનો વધારાનો ચાર્જ ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને સોંપાયો છે. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને અન્ય અધિકારીઓની મિલકતોની પણ તપાસ કરાશે.

સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેશ પટેલ અને કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી પર ઇડીની રેડ આઇએએસ અને આઇપીએસ અધિકારીમા ચર્ચાનો વિષય બન્યો છે. જમીન એનએ કરવાનું કૌભાંડ સામે આવ્યું. સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ ભૂતકાળમાં કલેક્ટર રહીને જ આવ્યા છે. એટલે તેઓ સારી રીતે જાણે છે કે જમીનના દ્ગછ કરવા પાછળની કંઈ રમત હોય છે. આ રમત દરેક જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં રહેમ નજરે ચાલતી જ હોય છે. જોકે સુરેન્દ્રનગરમાં રમાયેલી રમત સોલરના ઉદ્યોગપતિએ ઉજાગર કરી.પીએમઓ સુધી પહોંચ ધરાવતા આ સોલર ઉદ્યોગપતિએ ફરિયાદ કરી તેના જ કારણે ડબલ એન્જીનની સરકારમાં પણ ઇડીએ સીધા સુરેન્દ્રનગર કલેક્ટર પર હાથ નાંખ્યો. જોકે, હવે આ ઘટના આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ બને તો નવાઈ નહીં. મર્યાદા અધિકારીઓ ચૂકે છે એટલે જ પીએમઓએ દરમિયાનગીરી કરવી પડે છે. સુરેન્દ્રનગરની ઘટનામાં રાજકીય આગેવાનો ઉપર પણ છાંટા ઉડે તેવી ચર્ચા થઈ રહી છે.