સુરેન્દ્રનગરમાં ચોટીલા કલેક્ટરે મૂળીમાં દરોડા પાડ્યા છે. મૂળીના ભેટ અને થાનગઢના જામવાળી ગામે દરોડા પડ્યા છે. નાયબ કલેક્ટરની ટીમે ગેરકાયદે કાર્બોસેલના કૂવા ઝડપતા સનસનાટી મચી ગઈ છે. કલેક્ટરે મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા છે.
ભેટ ગામે સરકારી જમીન પર કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપાયું છે. સફેદ માટી તેમજ ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું છે. જામવાળી ગામે ત્રણ કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપવામાં આવ્યું છે. કૂવામાંથી પાણી લઈને કાર્બોસેલનું ગેરકાયદે ખનન કરનારા ઝડપાયા છે.
આ આખી કાર્યવાહીમાં એક હિટાચી મશીન, બે ટ્રેક્ટર, એક ડમ્પર ને બે કોમ્પ્રેસર જપ્ત કરવામાં આવ્યા છે. ૮૦ મેટ્રિક ટન કાર્બોસેલ, ૪ ચરખી અને ૯૦ વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે. કલેક્ટરે પાડેલા દરોડામાં કુલ ૧.૩૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલને જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં આ પ્રકારની કાર્યવાહીના કારણે ખાણ માફિયા સ્તબ્ધ થઈ ગયા છે. તેમણે અગાઉ ક્્યારેય આ પ્રકારની કાર્યવાહીનો સામનો કર્યો ન હતો. તેની સામે ચોટિલાના કલેક્ટરે જણાવ્યું હતું કે ગેરકાયદે ખનન સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ જારી જ રહેવાની છે. તેથી આગામી દિવસોમાં આ પ્રકારના વધુ દરોડા પડે તો આશ્ચર્ય ન થવું જાઈએ. તેમણે દાવો કર્યો હતો કે અમે સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓને નિરાંતનો શ્વાસ નહીં લેવા દઈએ. અમે ખનન માફિયાઓ સામે એટલી કાર્યવાહી કરીશું કે તેમના માટે સુરેન્દ્રનગરમાં રહેવું અઘરું થઈ જશે. સુરેન્દ્રનગરમાં કોઈપણ પ્રકારના ગેરકાયદે ખનનને અમે નહીં ચાલવા દઈએ. સરકારી તિજારીને નુકસાન પહોંચાડતા તત્વોને અમે નહીં સાંખી લઈએ.