સુરેન્દ્રનગરમાં જમીનના બિનખેતી  રૂપાંતરણમાં ચાલી રહેલા કરોડોના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ જિલ્લા કલેક્ટર અને ૨૦૧૫ બેચના આઇએએસ અધિકારી ડા. રાજેન્દ્રકુમાર મહેન્દ્ર  પટેલની ઈડીએ ૨ જાન્યુઆરીએ ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડનું અંદાજિત કદ રૂ. ૧૫૦૦ કરોડ છે, જેમાં જમીન દ્ગછ કરાવવા માટે ચોરસ મીટરદીઠ નિશ્ચિત લાંચ લેવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલાની શરૂઆત ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થઈ જ્યારે ઈડીએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી, કલેક્ટરના નિવાસસ્થાન અને અન્ય અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૂ. ૬૭.૫ લાખની રોકડ મળી આવી હતી. મોરીએ તપાસમાં કબૂલ્યું કે આ રકમ જમીન એનએ અરજીઓના ઝડપી નિકાલ માટે લેવાયેલી લાંચની છે.ઈડીની તપાસમાં ખુલાસો થયો કે કલેક્ટર કચેરીમાં આયોજનબદ્ધ રીતે “સ્પીડ મની” તરીકે લાંચ લેવાનું રેકેટ ચાલતું હતું. અરજીઓને વિલંબિત કરીને અરજદારો પાસેથી ચોરસ મીટરદીઠ રૂ. ૫થી ૧૦ની લાંચ વસૂલાતી હતી. આ કૌભાંડમાં કલેક્ટર ડા. રાજેન્દ્ર પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ઈડીએ રાજેન્દ્ર પટેલના ઘરેથી હાર્ડડિસ્ક, લેપટોપ, મોબાઈલ અને પેનડ્રાઈવ સહિત ૧૨થી વધુ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. આમાંથી લાંચના ડેટા, રોકાણની વિગતો અને કોડવર્ડમાં નામો મળી આવ્યા છે. કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાંથી મહત્વની ફાઈલો અને ગુમ થયેલા દસ્તાવેજાની પણ તપાસ ચાલી રહી છે. સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોના પ્રકરણોમાં પણ અનિયમિતતા મળી છે.

૨ જાન્યુઆરીએ કલેક્ટર પટેલને અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઈડ્ઢને ૭ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મળ્યા છે. ઈડ્ઢએ કોર્ટમાં જણાવ્યું કે લાંચની રકમના રોકાણ અને છુપાવવાની તપાસ જરૂરી છે. પટેલના અમદાવાદમાં ફ્લેટ અને અન્ય સંપત્તિઓમાં પણ અનિયમિતતા મળી છે.રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર  આર.કે. ઓઝા સહિત ૭ અધિકારીઓને સમન્સ પાઠવવાની તૈયારી છે. કલેક્ટર કચેરીના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભે ગયા હોવાના અહેવાલ છે.