હાલ સુરત રહેતા મૂળ ગોવિંદડી ગામના એક પુરુષે ગાળો આપવાની ના પાડતાં તેને લોખંડની ટી વડે ફટકારીને મુંઢ ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. હાલ સુરતના સીતાનગરમાં વિક્રમનગર સોસાયટી, વિભાગ ૨માં રહેતા અને મૂળ ગોવિંદડી ગામના વસ્તાભાઈ કાનાભાઈ કાછડ (ઉ.વ.૫૦)એ રેખાબેન જાદવભાઈ જીંજાળા તથા કલ્પેશભાઈ જાદવભાઈ જીંજાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ શામજીભાઇ સવારના આશરે અગિયારેક વાગ્યાના અરસામાં રાજુલા કોર્ટમાં મુદ્દતે આવ્યા હતા. કોર્ટનું કામ પુરૂ કરી સવા પાંચેક વાગ્યાના અરસામાં તેના સાળા ચીથરભાઇ કરશનભાઇ નકુમ રહે.રાજુલા વાવેરા રોડ વાળાના ઘરે તેઓ તથા સાહેદ બંને ગયા હતા. આ સમયે બંને તેમનું કાળા કલરનું મોટરસાયકલ લઇને તેમના સાળાના ઘરની બહાર આવ્યા હતા. તેમને તથા સાહેદ શામજીભાઇને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા તેમના હાથમાં રહેલી લોખંડની ટી થી તેને તથા સાહેદ શામજીભાઇને બંને પગના ભાગે ટી ના ઘા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.જે બાદ રેખાબેન જાદવભાઈ જીંજાળા (ઉ.વ૨૩)એ પતિ શામજીભાઈ દિનેશભાઈ કાછડ તથા વસ્તાભાઈ કાનાભાઈ કાછડ સામે ફરિયાદ નોંધાવી હતી.









































