સુરત ખાતે સમસ્ત વેકરીયા પરિવારનું ૧૨મું સ્નેહમિલન ભવ્ય માહોલમાં યોજાયું હતું. રાજ્યના મંત્રી કૌશિકભાઇ વેકરીયા અને અંજુબેન વેકરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ૭૫૦૦થી વધુ પરિવારજનો એકઠા થયા હતા, જે પરિવારની એકતાની મિસાલ છે. આ સ્નેહમિલનમાં સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપે આઠ યુગલોના સમૂહલગ્ન, ૧૫૧ યુનિટ રક્તસંગ્રહ સાથે બ્લડ ડોનેશન કેમ્પ, ઓર્ગન ડોનેશન સંકલ્પ, હેલ્થ ચેકઅપ અને બિઝનેસ એક્સ્પોનું આયોજન થયું હતું. વિદ્યાર્થી સન્માન, વડીલ સન્માન અને ઈનામ વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારજનોને એકબીજાના વ્યવહારોથી નજીક લાવવાનો અને બાળકોમાં સંસ્કાર, અભ્યાસ તેમજ રાષ્ટ્રસેવાના બીજનું રોપણ કરવાનો હતો. દીપપ્રાગટ્ય બાદ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા મહા શંખનાદ સાથે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાર્યક્રમનો પ્રારંભ થયો. લાખોની રકમનું દાન અને સમાજહિતના કાર્યો માટે શપથ લેવાયા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામૂહિક ભોજન અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.







































