સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દર ગુરૂવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજાય છે. થર્સ-ડે થોટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળતામાં માણસ મુંજાય તે સ્વાભાવિક છે, પરંતુ પ્રતિકૂળતા માણસને ઘડે છે. પ્રતિકૂળતા માણસને મુંજવે છે. પરંતુ પ્રયત્નશિલ રહેવું તે ખરો ઉકેલ છે. સૌરાષ્ટ્રમાં સુકી ખેતી, પાણીની અછત અને વારંવાર દુષ્કાળની પરિસ્થિતિને કારણે એટલે કે પ્રતિકૂળતાને કારણે લાખો સૌરાષ્ટ્રવાસીઓ સુરત આવ્યા છે. તેઓએ સુરતમાં આવી શૂન્યમાંથી સર્જન કર્યું છે. સામાન્ય રત્નકલાકારમાંથી યુવા ઉદ્યોગસાહસિક બનેલ નીતિનભાઈ કાળુભાઈ દેસાઈ ઓળિયાવાળા તથા તેમના પત્ની આશાબેન, કુંકાવાવ તાલુકાના દેવગામથી લાલજીભાઈ પાનશેરીયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવગામ ખાતે વાડી નિર્માણમાં બે વિધા જમીનનું દાન આપ્યુ છે. ગત ગુરૂવારનો વિચાર ડો. અજયભાઈ દેસાઈએ રજૂ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ તથા અંકિત સુરાણીએ કર્યું હતું.