સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાયેલા ૧૪૭મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે આજના સમયમાં ધંધા-વ્યવસાયમાં માત્ર મહેનત પૂરતી નથી. બિઝનેસ ટ્રેન્ડ એટલે બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે અને તેની નબળાઈ-મજબૂતાઈને સમજવું. આ પ્રસંગે ૮ વર્ષના ટૂંકા ગાળામાં ઓનલાઈન વેચાણમાં મોખરું સ્થાન પ્રાપ્ત કરનાર ઓમ સાંઈ લેટેસ્ટ ક્રિએશનના ફાઉન્ડર અરવિંદભાઇ કસોદરીયાએ અતિથિ વક્તા તરીકે બિઝનેસ ટ્રેન્ડનું મહત્વ સમજાવ્યું. તેઓ રેડીમેઈડ ગારમેન્ટ ક્ષેત્રે ૪૦ થી વધુ પ્રકારના પ્રોડક્ટ અને ૫૦૦ જેટલા રેન્જના માલ સાથે કરોડો રૂપિયાનું વેચાણ કરે છે. તેઓએ જણાવ્યું કે સફળતા માટે જીવનમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવું અને હંમેશાં સમય સાથે અપડેટ રહેવું જરૂરી છે. નિવૃત્ત પોલીસ કમિશનર હરિકૃષ્ણભાઈ પટેલે કહ્યું કે સારા કાર્યની શરૂઆત કોઈપણ ઉંમરે કરી શકાય છે અને વિચારોના વાવેતર કાર્યક્રમ સામાજિક જાગૃતિ માટે મોહક બનશે. અગ્રણી જીવરાજભાઈ ખાખરીયાવાળા અને એમેઝોનના સંદીપ કથીરિયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ ચાંચડ અને અંકિતભાઈ સુરાણીએ કર્યું.








































