સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ગુરૂવારે જમનાબા ભવન ખાતે ૧૩૫મો ‘વિચારોનું વાવેતર’ કાર્યક્રમ યોજાયો હતો. નિષ્ફળતાથી સફળતા વિષય ઉપર યોજાયેલ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જન્મ થયો તેમણે મૃત્યુ સુધી જીવવાનું છે. પરંતુ સારૂ જીવવું તે જીવનનો ધ્યેય હોય છે અને તે માટે પ્રયાસ કરવો પડે છે. વિદ્યાર્થી પરીક્ષા આપે તે સારૂ જીવવાના પ્રયાસની પરીક્ષા છે. તેમાં નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી. ધંધામાં નિષ્ફળતા કે પ્રેમ-દાંપત્ય જીવનમાં નિષ્ફળતા મળે તે જીવનની નિષ્ફળતા નથી તે સારા જીવન માટે પ્રયાસની નિષ્ફળતા છે. વ્યક્તિએ ફરીથી કે નવી રીતે પ્રયાસ કરવાનો હોય છે. આ તકે કેનેડામાં એન.બી.સી.સી કોલેજના પ્રોફેસર અને વિઝા પ્રોસેસના ગવર્મેન્ટ માન્ય કન્સલટન્ટ પ્રો. બ્રિજેશ એમ. ધામેલીયાએ પોતાના જીવનની શૂન્યમાંથી સર્જનની યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે પોતાના જીવન સંઘર્ષની વાત કરતા જણાવ્યું હતું કે, ‘તે એક સામાન્ય પતરાના રૂમમાં રહેતો હતો અને ભણવામાં ખુબ નબળો હતો. પરંતુ મારા મમ્મી-પપ્પાના સતત પ્રોત્સાહન અને હૂંફને કારણે આજે કેનેડામાં પ્રોફેસર તરીકે કોલેજમાં બાળકોને ભણાવું છે.’