સુરત શહેરની સ્થાનિક રાજનીતિમાં નવા વળાંક સાથે ચર્ચાનો માહોલ ગરમાયો છે. સુરત આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતા ધાર્મિક માલવીયાએ આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપ પાસેથી ટિકિટ માગતા રાજકીય તર્કવિતર્ક શરૂ થયા છે.
ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર-૦૨, જેમાં અમરોલી, વરાછા અને કઠોર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાંથી ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. નોંધનીય છે કે તેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં ઓલપાડ બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.
આ વખતે ભાજપ તરફથી ટિકિટ માગવાના તેમના પગલાંને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પક્ષ બદલવાની સંભાવનાઓ અને સ્થાનિક રાજકારણ પર તેની અસર વિશે વિવિધ અંદાજા લગાવવામાં આવી રહ્યા છે.
ધાર્મિક માલવિયાના પરિવારમાં પણ રાજકીય જાડાણ રહ્યું છે. તેમની પત્ની મોના હિરપરાએ અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી હતી. હાલ તેઓ સામાજિક કાર્યો અને વકીલાત ક્ષેત્રે સક્રિય રહેશે તેવી માહિતી સામે આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમે સુરતના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કર્યા છે અને આવનારી કોર્પોરેશન ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ભાજપના કાર્યો અને સરકારના વિકાસકાર્યો લોકો સમક્ષ લઈ જઈશ. સુરત કોર્પોરેશનમાં ભગવો લહેરાવવાનું એકમાત્ર ધ્યેય છે.