શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં એક મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ ઘટનામાં ઈચ્છાપોર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આરોપીને ફિલ્મી ઢબે વેશ પલટો કરી છેક મધ્ય પ્રદેશથી પકડી પાડ્યો છે. આ ગુપ્ત ઓપરેશન સમયે કોઈ પોલીસકર્મી ચાવાળા બન્યા, તો કોઈએ કરિયાણાવાળા અને કોઈ રીક્ષા ચાલક બન્યા હતા, ત્યારે તેમની મહેનત રંગ લાગતા આ મુદ્દે હાલ સમગ્ર વિસ્તારમાં તેમના ગુણગાન ગવાઈ રહ્યા છે.

વિગતે વાત કરીએ તો, અવિનેશકુમાર ઉર્ફે બીપીન કોદુલાલ ચૌરસીયા નામના શખ્સ સુરતમાં મહિલાને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક તથા હીરા બુર્સમાં કામ અપાવવાના બહાને એકાંત સ્થળે લઈ ગયો હતો. ત્યારબાદ એકાંતનો લાભ લઈ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાના સમયે આરોપીએ મહિલાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાદમાં આ સમગ્ર મામલે ફરિયાદ લઈ પીડિતા પોલીસ સ્ટેશને પહોંચી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઈચ્છાપોર પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા તેમજ આરોપીની કોલ ડિટેલ રેકોર્ડ મેળવવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી પોતાના વતન સેમરીયા (મધ્ય પ્રદેશ) તરફ ફરાર થયો હતો અને પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસે વેશ પલટો કરી બે દિવસ સુધી રેકી કરી તેને દબોચી લીધો છે.

આરોપીને પકડવા માટે ઈચ્છાપોર પોલીસે અનોખી અને ફિલ્મી રણનીતિ અપનાવી હતી. આરોપીને કોઈ શંકા ન જાય તે માટે પોલીસકર્મીઓએ વેશ બદલીને વિસ્તારની સતત બે દિવસ સુધી રેકી કરી હતી. પોલીસકર્મી નરેન્દ્રસિંહ સ્થાનિક ઓટો રીક્ષા ચાલક બન્યા હતા અને અન્ય એક પોલીસકર્મી ચેતનસિંહ ચાની કીટલી પર કામ કરતા હતા, જ્યારે બહાદુરભાઈ સ્થાનિક કિરાણા દુકાનમાં કામે લાગી ગયા હતા અને આ રીતે ગુપ્ત નજર રાખી અંતે આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મેળવી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૧ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ પૂછપરછ કરી ઘટના સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. જે મામલે ઈચ્છાપોર પોલીસે વધુમાં જણાવ્યું છે કે, મહિલાઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

આમ પોલીસે કડક સંદેશો આ કામ, નોકરી કે અન્ય કોઈ લાલચ આપી ગુનો કરનાર સામે કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હાલ આ ઘટના ફરી એકવાર સમાજમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ સાથે સાથે ઈચ્છાપોર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ન્યાયની આશા મજબૂત બની છે.