સુપ્રીમ કોર્ટ શક્તિશાળી કે
રાષ્ટ્રપતિ ?
વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે એવા સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૧૪ સવાલોના જવાબ માગતાં કોણ વધારે પાવરફુલ એ સવાલ ફરી ઉઠ્‌યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કરેલા સવાલોમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે, બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ વિધાનસભા કે સસંદમાં પસાર થયેલાં બિલોને કેટલા સમયમાં મંજૂરી આપવી તેની કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી છતાં સુપ્રીમ કોર્ટે ક્યા આધાર પર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરી છે ?
સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને રાજ્ય સરકારના વિવાદમાં ૮ એપ્રિલે આદેશ આપ્યો હતો કે રાજ્યપાલે એક મહિનામાં વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે નિર્ણય લેવો પડશે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે રાજ્યપાલે રોકી રાખેલાં ૧૦ બિલોને પસાર થયેલાં જાહેર કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પર પણ ચુકાદો આપતાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર ૩ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે.
આ ચુકાદાના કારણે મોટો વિવાદ થઈ ગયો હતો કેમ કે ભાજપની છાવણીનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ ના આપી શકે. બીજી તરફ ભાજપ વિરોધી પક્ષોનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટે બંધારણીય જોગવાઈ પ્રમાણે જ ચુકાદો આપ્યો છે.
આ વિવાદ માંડ માંડ શાંત પડેલો ત્યાં હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની બંધારણીય સત્તાઓ, ન્યાયતંત્રની દખલગીરી અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવા સહિતના મુદ્દે ૧૪ સવાલો દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે સ્પષ્ટતા માગતાં આ વિવાદ પાછો ચગ્યો છે.

આ વિવાદ અર્થહીન છે.
ભારતમાં સુપ્રીમ કોર્ટ કે રાષ્ટ્રપતિ એ બંનેમાંથી કોઈ નહીં પણ બંધારણ સર્વોપરી છે. રાષ્ટ્રપતિ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, બંનેએ બંધારણ પ્રમાણે વર્તવું પડે છે. જો કે રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ પાસે વધારે સત્તાઓ છે કેમ કે આ દેશનું બંધારણ બનાવનારા શાણા લોકોએ રાજકારણીઓને કાબૂમાં રાખવા અને બેલગામ બનતા રોકવા સુપ્રીમ કોર્ટને બંધારણની રક્ષક બનાવી છે. બંધારણની રક્ષક તરીકે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ સહિત દેશના કોઈ પણ નાગરિકને સવાલ જ ના કરી શકે પણ આદેશ પણ આપી શકે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેટલાક રાજ્યપાલો અને આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એવી ટીકા કરી હતી કે, સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે અને ન્યાયતંત્રની દખલગીરીનો અતિરેક થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી જ કઈ રીતે શકે એ સવાલ પણ ઉઠાવાયો હતો.
આ સવાલ બંધારણ અંગેનું અજ્ઞાન દર્શાવે છે.
રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે, રાજા નથી કે તેમને કોઈ આદેશ જ ના આપી શકે. ભારત રાજાશાહી દેશ નથી કે જ્યાં રાજાને કોઈ કાયદા લાગુ ના પડે, તેને મનફાવે એ રીતે વર્તવાની છૂટ હોય. લોકશાહીમાં બધાં જ બંધારણને આધિન વર્તવા બંધાયેલાં છે કેમ કે બંધારણ સર્વોપરી છે. આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે ને દેશમાં કોઈ પણ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ બંધારણ પ્રમાણે વર્તવા માટે બંધાયેલી છે.
આ વાત રાષ્ટ્રપતિને પણ લાગુ પડે છે.
સુપ્રીમ કોર્ટને બંધારણની રક્ષક તરીકે બંધારણની રક્ષા માટે જરૂરી બધું જ કરવાનો અધિકાર છે. ભારતના બંધારણની કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પડતર કોઈ પણ મુદ્દે ન્યાય કરવા માટે જરૂરી કોઈ પણ આદેશ આપવાની સત્તા સુપ્રીમ કોર્ટને છે તેથી સુપ્રીમ કોર્ટ વડાપ્રધાનને પણ આદેશ આપી શકે અને રાષ્ટ્રપતિને પણ આદેશ આપી શકે. આ દેશના રાષ્ટ્રપતિ પણ બંધારણના દાયરામાં આવે જ છે તેથી રાષ્ટ્રપતિને કોઈ આદેશ ના આપી શકે એવો ભ્રમ ઉભો કરાય છે એ ખોટો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને સવાલો કરીને તટસ્થતા ગુમાવી છે.
ભારતનાં બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિની ફરજ લોકશાહી અને બંધારણના મૂલ્યોનું જતન કરવાની છે. તેના બદલે રાષ્ટ્રપતિ મેડમ ભાજપના ઈશારે ટેકનિકલ બાબતોમાં પડીને પોતાનું ગૌરવ ગુમાવી રહ્યાં છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર બંધારણની મર્યાદામાં રહીને તમામ નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે પણ ભાજપની કેન્દ્ર સરકારના ઈશારે કેટલાક રાજ્યપાલો પોતાને ચૂંટાયેલી સરકાર કરતાં પણ ઉપર માનીને વર્તી રહ્યા છે.
આ લોકશાહીનું અપમાન છે.
ભાજપના નેતા સતત એક વાત કહ્યા કરે છે કે, દેશમાં ચૂંટાયેલી સરકાર સર્વોપરી છે અને તેનાથી ઉપર કોઈ નથી. આ વાત સો ટકા સાચી છે પણ તકલીફ એ છે કે, ભાજપ કેન્દ્ર સરકારને જ ચૂંટાયેલી સરકાર ગણે છે. ચૂંટાયેલી સરકારોનો મતલબ ખાલી કેન્દ્ર સરકાર નથી, રાજ્ય સરકારો પણ જે તે રાજ્યના મતદારોએ ચૂંટેલી છે તેથી તેમને પણ બંધારણે કેન્દ્ર સરકાર જેટલા જ અધિકારો આપ્યા છે.
રાજ્યપાલો ચૂંટાયેલી સરકારોનાં બિલ રોકી રાખે એ લોકશાહીનું ઘોર અપમાન છે. રાજ્યના મતદારોના જનાદેશનું ઘોર અપમાન છે. રાષ્ટ્રપતિ તરીકે મુર્મુ મેડમની સૌથી પહેલી ફરજ આ ચૂંટાયેલી સરકારના અધિકારોનું જતન કરીને લોકશાહીનું જતન કરવાની છે. તેમણે ખરેખર તો વિધાનસભાએ પસાર કરેલાં બિલો રોકી રાખનારા રાજ્યપાલોને ઠપકો આપવો જોઈએ પણ તેના બદલે એ રાજ્યપાલોની તરફદારી કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપર પાર્લામેન્ટ ગણાવી હતી. બીજી પણ ટીકાઓ થઈ હતી ને આ નિવેદનો મુદ્દે તેમણે ચૂપકીદી સેવી હતી એ પણ કઠે છે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે સંસદે કરવાનું કોઈ કામ કર્યું નથી. સંસદનું કામ કાયદા બનાવવાનું છે પણ સુપ્રીમ કોર્ટે કોઈ નવો કાયદો બનાવ્યો નથી. સુપ્રીમ કોર્ટે તો બંધારણીય જોગવાઈઓના અર્થઘટનની પોતાની ફરજ બજાવી છે, બંધારણની જોગવાઈ તરફ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિનું ધ્યાન જ દોર્યું છે. તેમને અહેસાસ કરાવ્યો છે કે, તમે બંધારણથી પર નથી અને તમારે પણ બંધારણ પ્રમાણે વર્તવું જ પડશે.

રાજ્યપાલો બંધારણનો દ્રોહ કરી રહ્યા છે.
રાજ્યપાલોએ પણ બંધારણને વફાદાર રહીને વર્તવાનું હોય છે પણ કમનસીબે રાજ્યપાલો આ દેશના બંધારણ તરફ નહીં પણ જેમણે તેમના તરફ રાજ્યપાલપદનો ટુકડો ફેંકી દીધો તેના તરફ વફાદારી બતાવી રહ્યા છે. તેના કારણે તેમનું પોતાનું ગૌરવ જળવાતું નથી ને લોકશાહીનું પણ ગૌરવ જળવાતું નથી.
રાજ્યપાલો સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહ્યા છે કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધીઓની બનેલી વિધાનસભાએ પસાર કરેલાં બિલોને રોકી રાખવાનો તેમને કોઈ અધિકાર નથી. વિધાનસભાએ પસાર કરેલા બિલને રાજ્યપાલ પાંચ-સાત વર્ષ રોકી રાખે એ ચૂંટાયેલી સરકારના અધિકારનું હનન છે.
આ દેશના બંધારણે દરેક બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિના અધિકાર અને તેની મર્યાદા પહેલેથી નક્કી કરી જ દીધાં છે. બંધારણ પ્રમાણે, વિધાનસભાઓને બિલ પસાર કરીને કાયદા બનાવવાનો અધિકાર છે. આ બિલ બંધારણીય જોગવાઈઓનો ભંગ ના કરતું હોય એ જોવાની રાજ્યપાલની ફરજ છે, એ સિવાય તેમની બીજી કોઈ ભૂમિકા નથી પણ રાજ્યપાલો બિલોને લટકાવી રાખે છે ને બંધારણનો દ્રોહ કરી રહ્યા છે.
આ હરકત લોકશાહી વિરોધી છે.
આ હરકત પાછળનું કારણ સતત સત્તામાં રહેવાની લાલસા છે. રાજ્યપાલો સત્તામાં રહેવા માટે કેન્દ્રની કઠપૂતલી બનીને વર્તે છે અને કેન્દ્રમાં બેઠેલા લોકો રાજ્યપાલોનો ઉપયોગ વિપક્ષોને હેરાન કરવા કરે છે. અત્યારે ભાજપની સરકાર છે તેથી ભાજપ સૌની આંખે ચડેલો છે પણ ભૂતકાળમાં કોંગ્રેસ સહિતના તમામ પક્ષો આ ધંધો કરી ચૂક્યા છે. કલમ ૩૫૬નો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારોને બરતરફ કરવાનું પાપ તો કોંગ્રેસના શાસનમાં દરેક રાજ્યપાલે કર્યું હશે તેથી કોઈ દૂધે ધોયેલા નથી જ. આ સમસ્યાનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી ગાઈડલાઈન છે પણ પોતાને સર્વોપરી સમજતા અને સત્તામાં જ રહેવા માગતા નેતાઓને આ ગાઈડલાઈન મંજૂર નથી તેની બધી મોંકાણ છે.