સુપ્રીમ કોર્ટે યમનમાં મૃત્યુદંડની સજા પામેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કેસની સુનાવણી ૧૪ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.આ મામલાની સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તેઓ નિમિષા પ્રિયા કેસમાં દરેક શક્ય રીતે મદદ કરી રહ્યા છે. યમનમાં એક વ્યક્તિની હત્યા કરવા બદલ નિમિષાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. નિમિષાને ૧૬ જુલાઈએ ફાંસી આપવાની હતી. જોકે, સરકારના પ્રયાસો અને કેરળના એક મુસ્લીમ ધર્મગુરુની મદદથી, નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે યમનમાં હત્યાના આરોપમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી પર હાલ પૂરતો રોક લગાવવામાં આવી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરમણે જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચને જણાવ્યું હતું કે આ કેસમાં નર્સને બચાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે પ્રિયાને સુરક્ષિત રીતે પરત કરવામાં આવે. બેન્ચે પણ તેનો સ્વીકાર કર્યો. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે નિમિષાને પહેલા મૃતક મહદીના સંબંધીઓ પાસેથી માફી મેળવવી પડશે અને ત્યારબાદ બ્લડ મનીનો મુદ્દો આવશે. અરજદારે કોર્ટને જાણ કરી કે ફાંસી મુલતવી રાખવામાં આવી છે. આ પછી, બેન્ચે કેસની સુનાવણી ૧૪ ઓગસ્ટ સુધી મુલતવી રાખી.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને ૩૮ વર્ષીય ભારતીય નર્સ નિમિષા પ્રિયાને તમામ શક્્ય રાજદ્વારી માધ્યમો દ્વારા બચાવવા માટે નિર્દેશ આપવામાં આવે. કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયાને ૨૦૧૭ માં તેના યેમેની બિઝનેસ પાર્ટનરની હત્યાના દોષી ઠેરવવામાં આવી હતી. તેણીને ૨૦૨૦ માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને ૨૦૨૩ માં તેની છેલ્લી અપીલ ફગાવી દેવામાં આવી હતી. નિમિષા હાલમાં યમનની રાજધાની સના જેલમાં કેદ છે.