મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર મંગળવારે કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. ડેપ્યુટી સીએમ બન્યા પછી આ તેમની પહેલી બેઠક હતી. અજિત પવારના મૃત્યુ બાદ, સુનેત્રાને રાજ્ય આબકારી, રમતગમત અને લઘુમતી વિકાસના વિભાગો સોંપવામાં આવ્યા છે. વધુમાં, તેમને પુણે અને બીડ જિલ્લાના વાલી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુનેત્રા પવારની પહેલી કેબિનેટ બેઠક અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “આજે સુનેત્રા પવારની પહેલી કેબિનેટ બેઠક હતી. અજિત પવારના અવસાન પછી, તેમણે ધીરજપૂર્વક જવાબદારી સ્વીકારી છે. તેથી, આજે અમે તેમનું સ્વાગત કર્યું છે. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં, તેમનો પક્ષ વધુ મોટી સફળતા પ્રાપ્ત કરશે. તેમના પક્ષના વિલીનીકરણ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયા પર ચર્ચા કરવી યોગ્ય નથી. તેઓ પોતે જ તે નિર્ણય લેશે.” આજે, મંત્રીમંડળે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી અને શોક ઠરાવ પસાર કર્યો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યાના થોડા કલાકો પછી જ મંત્રીમંડળની બેઠક યોજાઈ. પવારે તાજેતરમાં રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુંબઈના મંત્રાલયમાં સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યા પછી, તેઓ તેમના “નાયબ મુખ્યમંત્રી” ખુરશી પર બેઠેલા જાવા મળ્યા. તેમની સાથે તેમના પુત્ર, પાર્થ પવાર અને અન્ય વરિષ્ઠ એનસીપી નેતાઓ પણ હતા.
ડેપ્યુટી સીએમ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળતા પહેલા, સુનેત્રા પવારે દાદરના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી, ત્યારબાદ ચૈત્યભૂમિની મુલાકાત લીધી, જ્યાં તેમણે ભારત રત્ન ડા. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. બાદમાં, ડેપ્યુટી સીએમ મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓની મોટી ભીડ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે એનસીપી કાર્યાલય ખાતે તેમના પતિ અને દિવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી.
૩૧ જાન્યુઆરીએ, સુનેત્રાએ મહારાષ્ટÙના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ શપથ તેમના પતિ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના બારામતી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પછી લેવામાં આવ્યા હતા.







































