સાવરકુંડલા અને લીલીયા તાલુકાને આવરી લેતા ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહેલી વિશેષ નોંધણી (જીંઇ) પ્રક્રિયા દરમિયાન ફોર્મ નં. ૭ના દુરુપયોગના આક્ષેપો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે આશરે ૮૦૦૦થી વધુ ફોર્મ નં. ૭ અંદાજે ૪૫થી વધુ અજાણ્યા અને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ભરાયા છે, જે મતદારોના નામ કમી કરવાની આયોજનબદ્ધ કોશિશ હોવાનું જણાવ્યું છે. તા. ૦૫/૦૨/૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ ઈઇર્ં તથા નાયબ કલેક્ટર, સાવરકુંડલા સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં ખોટી સહી, ખોટા ચૂંટણીકાર્ડ અને મતદારોની મંજૂરી વગર ફોર્મ દાખલ કરાયા હોવાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગેરરીતિથી દાખલ થયેલા તમામ ફોર્મ નં. ૭ તાત્કાલિક રદ કરવા અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ દરમિયાન સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના સરપંચ નરેશભાઈ ભરતભાઈ ખુમાણે એફિડેવિટ આપી પોતાના નામ અને સહીનો દુરુપયોગ થયો હોવાનો દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ તેમની જાણ અને સંમતિ વગર કેટલાક ગામોના મતદારો વિરુદ્ધ વાંધા નોંધાયા છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે પાંચ દિવસમાં યોગ્ય નહીં થાય તો કાનૂની માર્ગ અપનાવવામાં આવશે. સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.










































