શહેર વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વર્ષ ૨૫-૨૬ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ થયો છે. સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી અને ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા શરદભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મેળો સ્થાનિક કારીગરોની કલા અને મહેનતને પ્લેટફોર્મ પૂરું પાડવાનું સશક્ત માધ્યમ છે અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ‘લોકલ ફોર વોકલ’ને સાર્થક કરી સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, કેશુભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, મોહિતભાઈ સુદાણી અને નયનાબેન કાપડિયા તેમજ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ શહેરના નાગરિકોને પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા અને સ્થાનિક વસ્તુઓ ખરીદીને આ અભિયાનને વેગ આપવા અપીલ કરી છે. આ મેળાને સફળ બનાવવા નોડલ ઓફિસર તરીકે રાજુભાઈ દામોદરા તેમજ અંજનાબેન ડાભી, રૂપલબેન ગોસાઈ અને નગરપાલિકાનો સ્ટાફ કાર્યરત છે.









































