સાવરકુંડલા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરની મુખ્ય બજાર અને આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનોને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો હજારો રૂપિયાનો માલ-સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વિશાલભાઈ નાનજીભાઈ કોશી (ઉ.વ.૨૫)એ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. વેપારી તા. ૨૫/૧૨/૨૦૨૫ના રોજ રાત્રે નવ વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે એટલે કે તા. ૨૬/૧૨/૨૦૨૫ના રોજ સવારે આઠ વાગ્યે જ્યારે તેઓ દુકાને પરત આવ્યા ત્યારે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તસ્કરોએ દુકાનમાંથી સાબુની ૫ પેટી – કિંમત અંદાજે રૂ. ૨,૫૦૦, માથામાં નાખવાના તેલની ૧૦ બોટલ (કિંમત અંદાજે રૂ. ૧,૦૦૦) ની ચોરી કરી હતી. માત્ર આ એક જ દુકાન નહીં, પરંતુ તેની આજુબાજુમાં આવેલી અન્ય પાલાની શટરવાળી દુકાનોમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અલગ-અલગ સમયે થયેલી આ ચોરીઓમાં અંદાજે રૂ. ૧૩,૧૦૦- ની કિંમતનો દુકાનનો અન્ય માલ-સામાન પણ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.