સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મોટા ઝિંઝુડા ગામના ૯૩ વર્ષીય વયોવૃદ્ધા જીવુબેન, જેમને ડાબા થાપાનો ગોળો ફાટી જવાથી અસહ્ય દુખાવો હતો, તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. દર્દી છેલ્લા ૧૦ વર્ષથી હૃદયરોગ અને હાઈપરટેન્શન જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. જોકે, ફિઝિશ્યન ડો. દેવાંશી પટેલની સલાહ અને હાઈ રિસ્ક ફિટનેસ મળ્યા બાદ, ઓર્થોપેડિક સર્જન ડો. નિર્માણ લુણાગરીયા અને એનેસ્થેસ્ટિક ડો. દિનેશ સોલંકીએ સાવચેતીપૂર્વક આ જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.









































