મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ભક્તિ, સેવા અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આશ્રમ પરિસરમાં પૂર્ણ આસ્થા અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં શિવભક્તોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રીના અવસરને માનવસેવામાં પરિવર્તિત કરવાના હેતુથી આશ્રમ કેમ્પસમાં ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે આવેલી ‘સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ના દર્દીઓના લાભાર્થે રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા રક્તદાન કેમ્પનો પ્રારંભ સ્વામી ભોલાનંદ સરસ્વતીજીના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો. આ કેમ્પમાં ૩૫૦ બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેમાં રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.







































