ભારત સરકારે લોન્ચ કરેલ ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે અતિ ઉપયોગી થાય તેવી મોટા કદના ગોડાઉનો બનાવવાની યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટ યાર્ડ માટે સરકારે રૂ. ૩.૬૭ કરોડના ખર્ચે ૫૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કામ મંજૂર કર્યું હતું. આ ગોડાઉનનું ઇ-ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજે કરેલ હતું. માર્કેટયાર્ડમાં આજે તાલુકાના વિવિધ ગામો અને શહેરમાંથી વિશાળ સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ, માર્કેટયાર્ડ વેપારી મંડળના સભ્યો, માર્કેટયાર્ડના અને અન્ય સહકારી સંસ્થાના ડાયરેક્ટરો, સહકારી મંડળીના પ્રમુખો અને મંત્રીઓની વિશાળ હાજરી વચ્ચે અમિતભાઈ શાહે મહાત્મા મંદિર, ગાંધીનગરથી દેશના વિવિધ રાજ્યના સહકાર મંત્રીઓ, લેફ્‌ટનન્ટ ગવર્નર, સચિવોઓની ઉપસ્થિતિમાં ઇ-ખાતમુહૂર્ત કરેલ. આ ગોડાઉનમાં સરકાર તરફથી રૂપિયા ૧.૬૨ કરોડની સબસિડી મળશે અને ગોડાઉન નિર્માણ થવાથી ખેડૂતો, વેપારીઓને પોતાનો માલ સંગ્રહવા માટે ખુબજ ઉપયોગી થાય તેવી દીર્ઘકાલીન સુવિધા છે. યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન એપીએમસીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વા.ચેરમેન મહેશભાઇ લાખાણી, નગર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાની, લાલભાઇ મોર, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, પૂર્વ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, પ્રતિકભાઈ નાકરાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.