ગુજરાત મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા સંચાલિત પરિવાર સુરક્ષા કવચ યોજનાના ભાગરૂપે ભોજલરામ મંડપ સર્વિસ, સાવરકુંડલાના સ્વ. અનિલભાઈ જયાણીના પરિવારને દિવંગત રાશિ રૂપે કુલ રૂ. ૭ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ દિવંગત રાશિ સહાય સ્વ. અનિલભાઈ જયાણીના ધર્મપત્ની ગં. સ્વ. વર્ષાબેન જયાણીને રવિવારના રોજ ગુજરાત મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશનના ટ્રસ્ટી તથા પટેલ મંડપ સર્વિસના માલિક વજુભાઈ ગોલ તથા અમરેલી જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પદાધિકારીઓના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતી. આ અવસરે વજુભાઈ ગોલે માહિતી આપતાં જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા શરૂ કરાયેલ પરિવાર સુરક્ષા કવચ યોજના સભ્યોના કુદરતી કે આકસ્મિક અવસાનના સંજોગોમાં પરિવારમાં આર્થિક ભાર હળવો થાય તે માટે રચવામાં આવી છે. સભ્ય હયાત ન હોય ત્યારે તેમના પરિવારને આર્થિક મદદરૂપ થવાનો આ નમ્ર તથા કલ્યાણકારી પ્રયાસ એસોસિએશન દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે અમરેલી જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ માદલીયા, ઉપપ્રમુખ બાલુભાઈ માતરીયા, મંત્રી સંજયભાઈ પોકળ, સહમંત્રી જયેશભાઈ સતાણી, સાવરકુંડલા મંડપ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ માધવાણી, ચેતનભાઇ જોષી, રાજુભાઈ લાડવા, બકુલભાઈ જયાણી, સફીભાઈ સરવૈયા વગેરેએ ઉપસ્થિત રહી પરિવારને સાંત્વના આપી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે મદદરૂપ થવા ખાતરી આપેલ હતી.









































