સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ગામના જુના વણકર વાસમાં આવેલા મહીડા પરિવારના કુળદેવી પીઠડ માતાના મઢને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો આશરે રૂ. ૧.૯૦ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રેમજીભાઈ બેચરભાઈ મહીડા (ઉ.વ.૭૪)એ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટના ગત તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં બની હતી. અજાણ્યા ચોર ઈસમોએ મઢના દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મઢમાં માતાજીની મૂર્તિ પર લટકાવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તથા નાના-મોટા ચાંદીના છત્તરની ચોરી કરી હતી. આ ઉપરાંત, ચોર ઈસમોએ મઢમાં રાખેલી દાનપેટી અને તેમાં રહેલી રોકડ રકમ સહિત કુલ આશરે રૂ. ૧,૯૦,૫૦૦/- ના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો હતો. પવિત્ર ધર્મસ્થાનમાં થયેલી આ ચોરીને પગલે મહીડા પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.






































