રાષ્ટ્રના ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાવરકુંડલા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દેશભક્તિ અને ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના શૈક્ષણિક પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના હસ્તે ગૌરવભેર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુકુળના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ હાજર રહી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણા બંધારણીય અધિકારોની સાથે આપણી ફરજ પ્રત્યે જાગૃત થવાનો દિવસ છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.