સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામ્ય વિકાસને કેન્દ્રસ્થાને રાખીને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નોના પરિણામે ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના વિવિધ કામો માટે રૂ.૧૨.૨૫ કરોડની મહત્વપૂર્ણ રકમ મંજૂર કરવામાં આવી છે. સુવિધાસભર ગામ -સશક્ત ગુજરાત ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે આ ગ્રાન્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધામાં ગુણાત્મક સુધારો કરવામાં આવશે, જેનાથી નાગરિકોને સરળ અને સુરક્ષિત અવરજવર પ્રાપ્ત થશે.
આ વિકાસકાર્યો હેઠળ સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ, ફાચરીયા, દેતડ, કેરાળા, વીરડી, દોલતી, કાનાતળાવ, વંડા, મેકડા, ઈંગોરાળા તેમજ લીલીયા તાલુકાના બવાડી, બવાડા, ઈગોરાળા, પાંચતલાવડા અને નાના લીલીયા સહિત કુલ ૧૫ ગામોને સીધો લાભ મળશે. આ યોજનાના અમલીકરણથી ગામડાના મુખ્ય માર્ગોની સ્થિતિમાં મોટો સુધારો થશે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી આપી વિકાસને નવી ગતિ પ્રદાન કરશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રસ્તા માત્ર માર્ગ નથી, પરંતુ વિકાસની ધમની છે. આ કામો દ્વારા ગામોને શહેર જેવા વધુ મજબૂત રોડ બનાવવાનો પ્રયાસ છે, જે સમગ્ર વિસ્તારમાં સર્વાંગી વિકાસનું દ્રષ્ટાંત પૂરું પાડશે.” આ જનહિતલક્ષી કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.