શહેરના મુખ્ય મહુવા રોડ પર ચાલી રહેલા રોડના નવનિર્માણ કામના કારણે સોમવારે સવારથી જ બંને બાજુએ લગભગ એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. સાંજે ૬ વાગ્યા આસપાસ તો પાલિકા કચેરીથી એસ.ટી. ડેપો સુધીનો આખો વિસ્તાર ટ્રાફિકથી ઠપ્પ થઈ ગયો હતો.
રોડ નવો બનવો જોઈએ એની સામે કોઈને વાંધો નથી, પરંતુ નાગરિકોનો સવાલ એ છે કે એકસાથે આખો રોડ શા માટે ખોદી નાખવામાં આવ્યો? થોડા અંતરે એક ભાગનું કામ પૂર્ણ કરીને બીજા ભાગનું ખોદકામ શરૂ કરવામાં આવે તો ટ્રાફિકની આટલી મુશ્કેલી ન ઊભી થાય.
બીજો મોટો પ્રશ્ન એ છે કે શહેરમાં મોટો બાયપાસ રોડ હોવા છતાં હેવી વાહનો અને ટ્રકોને શહેરની અંદર કોણ પ્રવેશ આપી રહ્યું છે? આ મોટા વાહનોના કારણે જ ખોદેલા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ વધુ વકરી છે. આથી નાગરિકોની માંગ છે કે હેવી વાહનોને બાયપાસ પરથી જ ડાયવર્ટ કરવામાં આવે.