સાવરકુંડલા પંથકમાં એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. એક આરોપીએ કાયદાનો ડર રાખ્યા વિના સગીરવયની દીકરીનું અપહરણ કર્યું અને એટલું જ નહીં, તેના ખરાબ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. બનાવ અંગે સગીરાના પિતાએ હાલ વંડા ગામે રહેતા મૂળ ગાધકડા ગામના ફિરોજભાઇ ઇમરાનભાઇ ઉર્ફે મુનાભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની સગીરવયની દીકરીનું આરોપી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. આ ગુનાહિત કૃત્ય બાદ આરોપીએ એક પગલું આગળ વધીને ફરિયાદીની સગીરવયની દીકરી સાથેનો પોતાનો ખરાબ ફોટો ફેસબુક ઉપર તેની આઇ.ડી. ઉપર મૂક્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે સગીરાના પરિવારમાં ભય ફેલાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ઝડપી તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.








































