અમરેલી જિલ્લાના ગ્રામીણ વિકાસ અંતર્ગત સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે સૌપ્રથમ ‘ગ્રામહાટ’નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓને યોગ્ય બજાર અને મંચ પૂરું પાડવાનો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે DRDA દ્વારાNRLM યોજના હેઠળ છેવાડાના ગામડાની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અહીં બહેનોના હસ્તકલા અને કૌશલ્યને સીધું જ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે, જેનાથી વચેટિયાઓની પ્રથા દૂર થશે અને મહિલાઓ આત્મનિર્ભરતા તરફ કદમ વધારશે. અનાવરણના આ ગૌરવશાળી પ્રસંગે જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ અધિકારીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી.










































