અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો થતાની સાથે જ માનવ જીવન પર હુમલાના બનાવ પણ વધવા પામ્યા છે. જેમાં ખાસ કરીને માલઢોર ચરાવતા માલધારીઓ ઉપર વન્યપ્રાણીઓના હુમલા યથાવત રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામ નજીક આવેલા નાના ઈશ્વરીયા ગામના બે યુવાનો પર સિંહણે હુમલો કરતા તાત્કાલિક બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના નાના ઈશ્વરીયા ગામના બે યુવાન માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા ત્યારે બપોરના સમયે અચાનક જ એક સિંહણ શિકાર કરવાના હેતુથી ત્યાં ધસી આવી હતી. જેમાં પોતાના માલઢોરને બચાવવા માટે બંને યુવાનોએ હાકલા પડકારા કરતા સિંહણે ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામી ઉંમર વર્ષ ૨૦ પર કેડના ભાગે અને પગના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જ્યારે સાગર ભગવાનભાઈ દેંગડાને સામાન્ય ઈજા પહોંચાડી હતી. સિંહણે ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચાડતા ઓમગીરીને તાત્કાલિક વંડા અને ત્યારબાદ સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર હોવાથી ઓમગીરીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાવરકુંડલા પંથકમાં વન્યપ્રાણીઓની રંજાડ દિન-પ્રતિદિન વધતી જતી હોવાથી માલધારીઓમાં ભયનો માહોલ છવાયો છે તેમજ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.