સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કલેકટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી અને જિલ્લા કલેકટરે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. કલેક્ટરે દેશના નામી-અનામી સર્વ સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારીઓના રાષ્ટ્ર માટેના બલિદાનને વંદન કરી તેમનું સ્મરણ કર્યુ હતું તથા જિલ્લાના સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય સેનાની અને બાબરાના વતની ઉમંગરાય છાટબારને સુતરની આંટી અને શાલ અર્પણ કરી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ સન્માન કર્યુ હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સહિતના પદાધિકારી – અધિકારીઓએ ઉપસ્થિત રહી શિક્ષણ, રમત ગમત, ૧૦૮ સેવા, પોલીસ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.