સાવરકુંડલામાં પત્ની રિસામણે જવા જેવી ઘરગથ્થુ બાબતની અદાવતમાં એક પરિવાર પર પ્રાણઘાતક હુમલો થયાની ઘટના સામે આવી હતી. પત્ની પિયર જતી રહી હોવાનું મનદુઃખ રાખી સાસરી પક્ષના શખ્સોએ ‘સમાધાન’ કરવાના બહાને આવીને તલવાર, છરી અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આ અંગે અફજલભાઇ ઉર્ફે ભીખો રફીકભાઇ મુસાણી (ઉ.વ.૨૭)એ ઇરફાનભાઇ મહમદભાઇ પરમાર, સોહિલભાઇ મહમદભાઇ પરમાર , ભીખાભાઇ, અશરફભાઇ તથા હુસેનભાઇ કાલવા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેમના પત્ની રિસામણે ગયા હતા. તે વાતની અદાવત રાખીને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હતી. આરોપીઓ સમાધાન કરવાના બહાને ફરિયાદીના ઘરે આવ્યા હતા, પરંતુ તેમની પાસે છુપાવેલા હથિયારો સાથે હુમલો કરવાનો પૂર્વઆયોજિત ઈરાદો હતો.તેમને માથાના ભાગે તલવારના બે ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. માથામાં છરીનો ઘા મારતા ફરિયાદીને કુલ ૧૫ ટાંકા આવ્યા હતા.આ ઉપરાંત શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા દરમિયાન વચ્ચે પડનાર સાહેદોને પણ આરોપીઓએ છોડ્‌યા નહોતા. સાહેદોને પોંચા અને બંને પગે પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જતી વખતે ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.