સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર આજે સેવા અને સમર્પણનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિત રીતે ચાલતા માનવસેવાના યજ્ઞ અંતર્ગત આજે ફરી એકવાર ભવ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેમાં કુલ ૭૨ દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી. નિષ્ણાંતો દ્વારા તપાસ બાદ મોતિયાના ઓપરેશન માટે ૧૪ દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ કેમ્પ શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ (સાવરકુંડલા) અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી – શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ, સુદર્શન નેત્રાલય હોસ્પિટલ (અમરેલી) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ કબીર ટેકરીના અરુણલાલ સાહેબ અને લાલભાઈ ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, ચીમનભાઈ (નાથજી નાગરિક બેંક), માધવ વ્યાસ, જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયા વિશેષ ઉપસ્થિત રહી સેવાકાર્યને બિરદાવ્યું હતું.