સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કારનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આ મહોત્સવ ફક્ત ધાર્મિક આયોજન ન રહેતાં, સમાજસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બાળકો અને યુવાનો દ્વારા રજૂ થયેલો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. જેમાં નાનાં ભૂલકાંઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કલા, પ્રતિભા અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. આ તકે ગ્રુપ દ્વારા સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરીને તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે, દાતા તરફથી સંસ્થાને ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન ભેટ આપવામાં આવ્યું હતું. આ ગ્રુપ પરમ પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદથી વર્ષોથી સમાજસેવાની અનોખી પરંપરા જાળવી રહ્યું છે.









































