અમરેલી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી છતાં વિદેશી દારૂની રેલમછેલ જાવા મળી રહી છે. પોલીસે દેશી દારૂની સાથે વિદેશી દારૂનો વેપલો કરનારાઓ સામે પણ તવાઈ બોલાવી છે. દિવાળીનું પર્વ નજીક હોવાથી અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની ખેપ મારનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસે કમર કસી છે. સાવરકુંડલામાં એલસીબી પોલીસે કાપેલધાર વિસ્તારમાં આવેલ એક રહેણાંકમાં દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી વિદેશી દારૂની ૮૧ બોટલ મળી આવી હતી. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર, એલસીબી પોલીસે અહીના એક રહેણાંકમાંથી વિદેશી દારૂની ૮૧ બોટલ કિંમત રૂપિયા ૩૩૨૬૯ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા ૩૮૫૧૯નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે શીલ્પેશ બાલુભાઇ વાળા, પ્રતિક ઉર્ફે મુરલી કાળુભાઇ આંબલીયા, સાગર ચતુરભાઇ સરૈયા નામના શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.