સાવરકુંડલામાં મુસ્લિમ યુવાન ઈમરાન હિંગોરાએ નિરાધાર હિન્દુ વૃદ્ધા જ્યોતિબેન ત્રિભોવનદાસ માધવાણીના અંતિમસંસ્કાર કર્યા અને જૂનાગઢના દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન પણ કર્યું. જ્યોતિબેન માધવાણી, જે લોહાણા સમાજના નિરાધાર વૃદ્ધા હતા, એક વખત આઝાદ ચોકમાં ઈમરાન હિંગોરાની દુકાન પાસેથી પસાર થતી વખતે પડી ગયા હતા. ઈમરાને તેમને તાત્કાલિક પોતાના ઘરે લઈ જઈ સારવાર અપાવી હતી. આ ઘટનાથી શરૂ થયેલી નિઃસ્વાર્થ સેવાની યાત્રા પાંચ વર્ષ સુધી ચાલી. આ સમયગાળા દરમિયાન, ઈમરાને જ્યોતિબેનની દવાખાનાની મુલાકાતથી લઈને તેમના દૈનિક અને વહેવારીક કામો સુધી દરેક બાબતમાં સાથ આપ્યો. જ્યોતિબેનની તબિયત બગડતાં ઈમરાન અને તેનો પરિવાર સતત તેમની સેવામાં રહ્યા. જ્યોતિબેનના અવસાન બાદ, ઈમરાને દીકરાની જેમ રડતી આંખે તેમના અંતિમસંસ્કાર કર્યા. તેમણે હિન્દુ ધર્મની વિધિ અનુસાર સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો અને જૂનાગઢના દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન પણ કર્યું. જ્યોતિબેનના બેસણાંમાં આવેલા લોકોએ પણ ઈમરાન સમક્ષ ખરખરો કર્યો હતો. જ્યોતિબેન પાસે રૂ.૨૦ લાખની મરણમૂડી હતી, જેમાં તેમણે વારસદાર તરીકે ઈમરાનનું નામ લખાવ્યું હતું. ઈમરાને આ રકમ પોતાના માટે ન રાખતા, સંપૂર્ણપણે સેવા પ્રવૃત્તિઓ માટે દાન કરવાનો નિર્ણય લીધો હતો.